Tuesday, 13 February 2018

મહા શિવરાત્રી




શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.

તિથિ ની સમજૂતી 
હાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે છે. આ વ્રતને અર્ધરાત્રિ વ્યાપિની ચૌદશની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વા (તેરસયુક્ત) હોય કે પરા તિથિ હોય. નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિવ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં ત્રણ પક્ષ છે -  (૧) ચૌદશની પ્રદોષ વ્યાપિની. (ર) નિશીથ (અર્ધરાત્રિ) - વ્યાપિની અને (૩) ઉભયવ્યાપિની વ્રતરાજ, નિર્ણયસિન્ધુ તથા ધર્મસિન્ધુ વગેરે ગ્રંથો અનુસાર નિશીથવ્યાપિની ચૌદશ તિથિનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે તેથી ચૌદશની તિથિ નિશીથવ્યાપિની હોય તે મુખ્ય છે, અગત્યની છે, પરંતુ તેના અભાવમાં પ્રદોષવ્યાપિની સ્વીકૃત હોઈ તે પક્ષ ગૌણ છે. આ કારણે પૂર્વા યા પરા એ બંનેમાં જે પણ નિશીથવ્યાપિની ચૌદશની તિથિ હોય તેમાં જ વ્રત કરવું જોઈએ.


મહાશિવરાત્રી સાથે જોડાયેલી લૌકિક કથાઓ 

પ્રલય

 એક કથા અનુસાર એક વખત સંસારના પ્રલયનો ભય તોળાઇ રહ્યો હતો, ત્યારે પાર્વતીએ તેના પતિ શિવની પૂજા કરી અને તેમને જીવમાત્ર પર કૃપા કરી તેમનું રક્ષણ કરવા પ્રાર્થના કરી. શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જે જીવ મહા મહિનાની વદ ચૌદસને દિવસે તેમનું પૂજન અને ધ્યાન કરશે તેમને તે પ્રલય સમયે ઉગારશે. આમ, મહા શિવરાત્રિનું મહત્વ અનેરૂ છે.

શિવની પ્રિય રાત્રિ

સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ થતાં એક વખત પાર્વતીએ શિવને પુછ્યં કે તેમનો પ્રિય દિવસ કયો છે, ત્યારે શિવજીએ કહ્યું કે મહા વદ તેરસ, અને શિવની આ પસંદની જાણ પાર્વતીએ તેમના સહચરો અને અન્ય દેવતાઓને કરી અને કાળક્રમે મનુષ્યોને પણ તેની જાણ થઇ.

સમુદ્રમંથન

એક કથા અનુસાર સમુદ્રમંથન સમયે સૌ પ્રથમ જ્યારે હળાહળ ઉત્પન્ન થયું ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વિકાર કરવા માટે તૈયાર ના થયા, કેમકે હળાહળ (અતિ ભયાનક વિષ) એટલું ખતરનાક હતું કે જો તે પૃથ્વી પર પડે તો સમગ્ર પૃથ્વીનો નાશ કરી દે. જ્યારે તે હળાહળનું શું કરવું તેવો પ્રશ્ન દેવોએ વિષ્ણુને પુછ્યો ત્યારે વિષ્ણુએ કહ્યું કે તેઓ શિવજીનો સંપર્ક કરે અને શિવજીનો સંપર્ક કરતા તેમણે જીવમાત્ર તરફની અનુકંપાને કારણે તે હળાહળ પી લીધું. આ ઘટના સાથે શિવરાત્રિને જોડવામાં આવે છે.

શિવની આરામની રાત્રિ

ઓછી પ્રચલિત એક કથા મુજબ શિવરાત્રિ એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રિનાં એક પ્રહર (ત્રણ કલાક)ના ગાળા માટે આરામ કરે છે, આ એક પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છે. જ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઇ જાય છે, એટલેકે ભગવાન ધ્યાનાવસ્થામાં ગરકાવ થઇ જાય છે. શિવનો આ ધ્યાનાવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે અને આ સમયગાળા દરમ્યાન શિવતત્વ કોઇ તમોગુણનો સ્વિકાર કરતા નથી અને નથી તો વિશ્વમાંથી આવતું કોઇ હળાહળ (સમુદ્રમંથન દરમ્યાન નીકળતું વિષ) સ્વિકારતાં. પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાણ તે સમયે વધી જાય છે અને તેના પ્રતિકાર માટે બીલીપત્ર, ધંતુરાનાં પુષ્પ, રૂદ્રાક્ષ, વગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે.


Image  : Google
Courtesy : Wikipedia

Follow us on facebook : facebook.com/dinvishesh59/ , facebook.com/jaydipmunjapra
Follow us on Twitter : twitter.com/JMunjapra

Follow us on Instagram : instagram.com/din.vishesh , instagram.com/jaydipmunjapra
Follow us on Google+ : https://plus.google.com/u/0/+JaydipMunjapra59


No comments:

Post a Comment

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ

( જન્મ : ૧૨ ઓગષ્ટ   ૧૯૧૯ – મ્રુત્યુ :   ૩૦ ડિસેમ્બર   ૧૯૭૧) ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ   ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. ...