Friday, 2 March 2018

રંગપર્વ : હોળી - ધુળેટી 



હોળી, જેને 'રંગોનો તહેવાર' પણ કહેવામાં આવે છે, તે ભારતસુરીનામગુયાના,ટ્રિનિદાદયુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
હોલીકા દહન
આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોલિકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.
હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

કથાઓ

હોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં', આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વિ પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.
આ દરમિયાન,હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા,પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી (સ્ત્રીઓ એ મસ્તક પર ઓઢવાનું વસ્ત્ર) હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.
પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુનાં વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.
હિરણ્યકશિપુનો વધ કરતા ભગવાન વિષ્ણુ
આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે.
હોળી રમતાં રાધા કૃષ્ણ અને ગોપ-ગોપીઓ
હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન, બ્રહ્માંડમાં અલગ અલગ તેજકિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે.
પરંપરા
ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને 'હુતાસણી'થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને 'પડવો' કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને 'બીજો પડવો','ત્રીજો પડવો' એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ,આંધળોપાટો,શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.
હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો સજીધજીને બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવા લાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની 'લાણ' વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાકહેવામાં આવે છે. 

Image : Google
Courtesy : Wikipedia
Link :  https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8


Follo Us Keep Supporting, Keep Sharing. 

Facebook Page : facebook.com/din.vishesh59/
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59


No comments:

Post a Comment

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ

( જન્મ : ૧૨ ઓગષ્ટ   ૧૯૧૯ – મ્રુત્યુ :   ૩૦ ડિસેમ્બર   ૧૯૭૧) ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ   ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. ...