Sunday, 4 March 2018

દીના પાઠક

(જન્મ : 4 માર્ચ, 1922 - મૃત્યુ : 11 ઓક્ટોબર, 2002)
દીના પાઠક હિંદી ચલચિત્ર જગતમાં ખુબ જ જાણીતું નામ. એમનો જન્મ ૪થી માર્ચ ૧૯૨૩ના રોજ અમરેલીના કપોળ વૈષ્ણવ કુટુંબમાં થયો હતો. એમણે ૧૫૦ જેટલી હિન્દી ફિલ્મોમાં અને ૧૭ જેટલી ગુજરાતી ફિલ્મોમાં તથા ગુજરાતી નાટકો અને ટી વી સીરીઅલોમાં પણ કામ કર્યું હતું. જીવનના અંત સુધી સક્રિય રહ્યા હતા. એમની યાદગાર હિન્દી ફિલ્મોના યાદગાર અભિનયમાં 'ખુબસુરત' અને 'ગોલમાલ' ફિલ્મોનો ઉલ્લેખ અનિવાર્ય છે. તેમનું અવસાન ૧૧મી ઓક્ટોબર ૨૦૦૨માં ૮૦ વર્ષ ની વયે હ્રદય રોગ અને લાંબી બીમારીને કારણે થયું હતું. એમના પ્રથમ લગ્ન 'બલદેવ પાઠક' સાથે થયા હતા અને એમની બે પુત્રીઓ રત્ના પાઠક અને સુપ્રિયા પાઠક જેઓ પણ જાણીતી અભિનેત્રીઓ છે. અને અભિનેતા નાસીરુદીન શાહ અને પકંજ કપૂર (શાહિદ કપૂરનાં પિતા) એમના જમાઈઓ થાય છે.૧૫૦ જેટલી હિન્દી ફિલ્મો અને ૧૭ ગુજરાતી ફિલ્મોનાં અભિનેત્રી દીના પાઠકે એક સમયે હિન્દી ફિલ્મો પ્રત્યેના તિરસ્કારને લીધે ચલ ચલ રે નૌજવાનફિલ્મમાં હિરોઈનની ભૂમિકા ઠુકરાવી દીધી હતી. પ્રખર નાટ્યકર્મી અને ઈન્ડિયન પીપલ્સ થિયેટરના સભ્ય એવાં દીનાબહેને રાજકીય-સામાજિક પ્રતબિદ્ધતાવાળાં નાટકો કરી રંગભૂમિને પણ ઉજાળી અને જ્યારે પાછળથી ફિલ્મોમાં પ્રવેશ્યાં ત્યારે હંમેશાં કાળજી રાખી કે ભૂમિકામાં વૈવિધ્ય સાથે તેમની કારકિર્દી ચાલતી રહે.
ગુજરાતી પરિવારમાં જન્મેલાં પરંતુ એન્જિનિયર પિતા પૂણેમાં કામ કરતા થયા હોવાને કારણે ત્યાં જ પ્રાથમિક શિક્ષણ પામેલાં દીના પાઠકે સંગીત અને નાટક સાથે શરૂમાં જ સગપણ થઇ ગયું. ત્યાં તેઓ બાલગાંધર્વનાં નાટકો જોતાં અને પિતાની બદલી જુનાગઢ થઇ ત્યારે ત્યાં પારસી અને ગુજરાતી જુની રંગભૂમિનાં નાટકો જોયાં. એ દિવસોમાં ગાંધીજીનો પ્રભાવ બધેબધ એટલે વિદ્યાર્થી તરીકે જ ચળવળ શરૂ કરી. મેટ્રિક થયા પછી મુંબઇની સેન્ટ ઝેવિયર્સ, ત્યાર બાદ એલિફન્સ્ટન અને આખર વિલ્સન કોલેજમાં રહી તેમણે બી.એ. કર્યા પછી વળી અમદાવાદ જઇ એમ.એ. કર્યું. એ દિવસોમાં જ તેઓ નાટકના રંગે ય રંગાયાં. ઓગણીસ પૂરાં થતાંની સાથે તેઓ રમેશ સંઘવી નામના ડાબેરી વિચારસરણીના યુવક સાથે પરણ્યાં.

એ લગ્ન તો માત્ર દોઢેક વર્ષ જ ટક્યું પરંતુ એ દિવસોમાં જ ઇન્ડિયન પિપલ્સ થિયેટર સાથે કામ શરૂ કર્યું તે તેમની લાંબી અભિનય કારકિર્દીનું નિર્ધારક બની ગયું. ઇપ્ટામાં તે વેળા ખ્વાજા અહમદ અબ્બાસ, મુલ્કરાજ આનંદ, અલી સરદાર જાફરી, ચેતન આનંદ અને ત્યાર બાદ બલરાજ સાહની, મોહન સહેગલ, અચલા સચદેવ વગેરે જોડાયાં. આ બધા જ ધીમે ધીમે ફિલ્મો તરફ વળ્યાં પછી દીનબહેન નાટકો પૂરતાં જ સીમિત રહે એ શક્ય ન હતું, પરંતુ રાજકીય પ્રતિબદ્ધતા સાથેના વિચારશીલ નાટકો કરવા તે તેમના માટે જાણે રાજકીય, સામાજિક પ્રતિબદ્ધતા સમું હતું એટલે માત્ર મુંબઇ નહીં, અમદાવાદ જઇ જયશંકર સુંદરી’, રસિકલાલ પરીખ, જશવંત ઠાકર વગેરે સાથે નાટક મંડળી સ્થાપી એવાં નાટકો કર્યાં જે ગુજરાતી રંગભૂમિનાં પરિવર્તક બને.

ફરી મુંબઇ આવ્યાં ત્યારે નવ મહિના જેલ જવા જેવી પ્રોગેસિવ મૂવમેન્ટમાં ભાગ પણ લીધો અને નાટકો, નૃત્યનાટકોમાં ય ઝંઝાવાતી રહી ભાગ લીધો. અલ્લાબેલી’, ‘હંસી’, ‘ઢીંગલી ઘરઅને બહુખ્યાત મેના ગુર્જરીજેવાં નાટકો અને નૃત્યનાટકો (બેલે) સ્પિરિટ ઓફ ઇન્ડિયા’, ‘ઇન્ડિયા ઇમોર્ટલકર્યાં. પંડિત રવિશંકર, ત્રિપુરા નૃત્ય શેલીના નિષ્ણાત શાંતિવર્ધન વગેરે એ બેલે સાથે જોડાયેલા હતા.

જીવન અને નાટકમાં આટલી બધી પ્રતિભા અને વૈચારિક પ્રતબિદ્ધતા સાથે કામ કરનાર દીના પાઠક ફિલ્મોની ઓફર ઠુકરાવે તો તે સ્વભાવસહજ હતું, પરંતુ જે વિચારશીલ હોય તે નિર્ણયોમાં પરિવર્તન કરી શકતા હોય છે. ૧૯૫૬માં બલદેવ પાઠક સાથે બીજા લગ્ન થયાં ત્યારે ઇપ્ટાનાં નાટકોનો મૂળ પ્રભાવ બદલાવા માંડયોહતો. અગાઉ, ‘ધરતી કે લાલમાં નૃત્ય કરી ચૂકેલાં દીના પાઠકે કરિયાવર’, ‘શેણી વિજાણંદ’, ‘મળેલા જીવ’, ‘મોટી બાવગેરે ગુજરાતી ફિલ્મોમાં હીરોઇન તરીકે કામ કર્યા પછી બાસુ ભટ્ટાચાર્ય દિગ્દર્શિત ૧૯૬૬ની ઉસકી કહાનીથી હિંદી ફિલ્મોમાં ખરેખર પ્રવેશ્યાં.

આમ તો બેલેના દિવસોમાં જ તેઓ બિમલ રોયની ફિલ્મોના શૂટિંગ જોવા જતાં અને ત્યારથી જ બાસુ ભટ્ટાચાર્ય, હ્રષીકેશ મુખર્જી, ગુલઝાર જ્યાં બિમલદાના સહાયકો જોડે ઘરોબો રચાયો હતો. ઉસકી કહાનીમાં તેમણે માની ભૂમિકા કરેલી પરંતુ હિંદી ફિલ્મોમાં જે ટિપિકલ મા હોય તેવી નહીં. એ સમાંતર સિનેમા ચળવળ દરમિયાનની ફિલ્મ હતી અને તેમને એવી ફિલ્મોમાં વધુ રસ હતો. આ કારણે જ ખ્વાજા અહેમદ અબ્બાસે સાત હિંદુસ્તાનીમાં અને હ્રષીકેશ મુખર્જીએ સત્યકામ’, બાસુ ચેટર્જીએ સારા આકાશમાં ભૂમિકા આપી તો તેમણે સ્વીકારી લીધી. શરૂની કારકિર્દીના આ દિગ્દર્શકો સાથે પછી પણ તેમણે સતત કામ કર્યું.

બાસુ ભટ્ટાચાર્ય સાથે ઉસકી કહાનીપછી આવિષ્કાર’, ‘સંગતઅને આનંદમહલતો બાસુ ચેટર્જી સાથે સારા આકાશપછી ચિત્તચોર’, ‘ચક્રવ્યૂહ’, ‘દો લડકે દોનો કડકે’,‘જીના યહાંમાં કામ કર્યું. હ્રષીકેશ મુખર્જીએ તો તેમને ચૈતાલી’, ‘ગોલમાલ’, ‘ખૂબસૂરત’, ‘નરમગરમ’, ‘અચ્છાબૂરાઅને ૧૯૮૫ની જુકીસહિતની ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ આપી. ગુલઝારે તેમને કોશિશ’, ‘મૌસમ’, ‘કિનારા’, ‘કિતાબ, ‘મીરાઅને ઇજાજતમાં ભૂમિકાઓ આપી. દીના પાઠકે તેમની કુલ કારકિર્દીમાં ૧૦૬ જેટલા દિગ્દર્શકો જોડે કામ કર્યું પરંતુ વિગતો જોતાં સમજાશે કે એમને બંગાળી દિગ્દર્શકો સાથે વધુ ફાવતું હતું .બાસુ ભટ્ટાચાર્ય, બાસુ ચેટર્જી, ઋષિદા જ નહીં શક્તિ સામંત, અનિલ ગાંગુલી, અસિત સેન, સત્યેન બોઝ સહિતના બંગાળીઓ સાથે તેમની લગભગ ૨૭ જેટલી ફિલ્મો છે. બંગાળી દિગ્દર્શકો જોડે તેઓ બંગાળીંમાં વાત કરતા.

દીના પાઠકે હંમેશ કાળજી રાખી કે ભૂમિકામાં વૈવિધ્ય સાથે કારકિર્દી ચાલતી રહે. વ્હી. શાંતારામ જેવાએ તેમને દ્રઢ પગલાથી ચાલતા જોઇને જલ બિન મછલી નૃત્ય બિન બીજલીમાં રાજમાતાની ભૂમિકા આપેલી. કોશિશમાં સંજીવકુમાર- જયા ભાદુડીની બહેરા-મૂંગા તરીકેની ભૂમિકા વચ્ચે સૌથી વધુ ડાયલોગ્સ દીનાબહેનના જ હતા. મૌસમમાં તેઓ વેશ્યાવાડો ચલાવતાં બાઇની ભૂમિકામાં હતાં. એ ફિલ્મમાં તેઓ કુરતા અને લુંગીમાં સાવ જુદા જ લાગતાં હતાં. આ પ્રકારની ભૂમિકા સુલોચના, નિરુપા રોય જેવાને ન મળી શકે કારણ કે મા તરીકે તેઓ વધુ પડતાં 'પવિત્ર' થઇ ચૂક્યાં હતાં. ખૂબસૂરતમાં આખા ઘરને પોતાના નિયંત્રણમાં રાખતાં શિસ્તપ્રિય મહિલા તરીકે દીનાબહેનનું વ્યક્તિત્વ ખૂબ કામ લાગી ગયેલું.

ગોલમાલમાં તેઓ રસોડાની બારી કૂદીને આવે છે. પૂણે હતાં ત્યારે વ્યાયામ શાળામાં જતાં તેનો તે પ્રતાપ. મહિલાસંઘમાં હતાં ત્યારે કમાટીપુરાની વેશ્યાઓ માટે પણ તેમણે સામાજિક કામ કરેલાં તેના કારણે મૌસમની કોઠાવાલીની ભૂમિકા વધુ સારી રીતે ભજવી શક્યાં. અભિનયને સ્ટાઇલાઇઝ્ડ કરવા કરતાં હંમેશ નવા અભિગમથી પણ ભજવવાની સભાનતા તેમણે જાળવી રાખી. પરંતુ આ બધાનો અર્થ એવો નથી કે તેઓ એકદમ કમિર્શયલ ફિલ્મોના દિગ્દર્શકો સાથે કામ કરી શકતાં નહોતાં. શક્તિ સામંત સાથે ચરિત્રહીનઅને અનુરોધફિલ્મો છે તો સુભાષ ઘઇ, ડેવિડ ધવન, જે - ઓમપ્રકાશ જેવા સાથે પણ બબ્બે ફિલ્મો છે. અલબત્ત, કેતન મહેતા, કલ્પના લાજમી, શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાની, મુઝફ્ફર અલી, સઇદ અખ્તર મિર્ઝા પ્રકારના દિગ્દર્શકો સાથે તેમને વધુ ફાવે તે સહજ છે.

કેતન મહેતાની મિર્ચ મસાલામાં તેમની સશકત ભૂમિકા હતી. ગોવિંદ નિહલાનીએ તેમને તમસમાં જે પ્રકારની ભૂમિકા આપી તેમાં દીના પાઠકની નાગરિક સભાનતા અને વિભાજન વેળાની લાગણી પણ પુરબહાર સંવેદના સાથે ખીલી હતી. દીના પાઠક દરેક સમયના, દરેક શૈલીના દિગ્દર્શક સાથે કામ કરવાની માનસિકતાવાળા હતા. પરિવર્તનોને પામવા તત્પર રહેતાં. ગુલઝાર, ડૉ. રાહી માસૂમ રઝા જેવા તેમના માટે વિશેષ રીતે ભૂમિકા લખતાં તે પણ આ કારણે જ. સાવ અર્થહીન અને તર્કના આધાર વિનાની ભૂમિકા માટે તેઓ કદી તૈયાર ન થતાં.
સંજીવકુમાર સાથે તેમને ખૂબ બનતું એટલે એક વાર સંજીવભાઇએ દીના પાઠકને કહેલું ય ખરું કે, ‘તમે આટલા આદર્શવાદી શું કામ બનો છો, જે છે તેમ કર્યા કરોને!પણ દીના પાઠક એવું માને ખરા? એઓ સાવ છેલ્લે સુધી કામ કરી શક્યાં તેનું મુખ્ય કારણ નાણાંની જરૂરિયાત નહીં, બલકે કામની પ્રબળ ઇચ્છા જ હતી. ફિલ્મોમાં કામ ઓછું થયું હોય તો નાટકોમાં ય કામ કરે અને ટીવી સિરિયલોમાં પણ. માલગુડી ડેઇઝ’, ‘તમસજેવી હિંદી સિરિયલોથી માંડી ગુજરાતી ટીવી સિરિયલ સપનાનાં વાવેતરજે હિંદીમાં એક મહલ હો સપનોં કાનામે રજુ થયેલી તેમાંય તેમની મહત્વની ભૂમિકા હતી. ખીચડીગુજરાતી સિરિયલોમાં ય તેઓ દેખાયાં હતાં. ફિલ્મો પ્રત્યે પણ તેમણે મોઢું ફેરવ્યું ન હતું, શરત એટલી જ કે સારી ભૂમિકા મળે.
૧૯૪૮ની કરિયાવરથી માંડી ૧૯૮૪ની માણસાઇના દીવાસુધીમાં તેમણે કુલ ૧૭ ફિલ્મો કરી અને તેમાં મળેલા જીવ’, ‘ડાકુરાણી ગંગા’, ‘જીવી રબારણની ભૂમિકાઓ પણ છે. મરાઠી, રાજસ્થાની ફિલ્મોમાં પણ અભિનય કર્યો. સાહિત્યમાં ઊંડો રસ હતો તેથી તેમને સાહિત્યિક કૃતિ આધારિત ફિલ્મોમાં સારી ભૂમિકા મળી શકી. હિંદી ફિલ્મોના નવી પેઢીના દિગ્દર્શકોમાં રાજકુમાર સંતોષી, સંજય લીલા ભણસાલી જેવા તેમને ઉંમરના ૭૫મા વર્ષ પછી પણ કામ આપતા અને તેથી જ લજજાઅને દેવદાસમાં તેમની ભૂમિકાઓ જોઇ શકાય છે. ડૉ. ચંદ્રપ્રકાશ ત્રિવેદીએ તેમને અમૃતા પ્રીતમની નવલકથા પર આધારિત પિંજરમાં તેમને જે ભૂમિકા આપી તે કારકિર્દીની ય આખરી ભૂમિકા બની ગઇ. એ ફિલ્મ ૨૦૦૩માં રજુ થઇ ત્યારે દીના પાઠક નહોતા. ૧૧.૧૦.૨૦૦૨ના રોજ તેઓ નિધન પામ્યાં હતાં.
દીના પાઠક જેવી સભર, સભાન અને આત્મનિર્ભર જિંદગી બહુ ઓછા જીવી શકે. છેવટ સુધી તેઓ તેમના દાદર ખાતેના નિવાસસ્થાને એકલાં રહેતાં હતા. અલબત્ત, તેમની બંને દીકરી - રત્ના અને સુપ્રિયા-અભિનયમાં પોતાના મુકામો હાંસલ કરતી પરણી ચૂકી હતી. રત્ના પાઠક નસીરુદ્દીન શાહ જેવા અત્યંત પ્રતિભાવશાળી અભિનેતાને તો સુપ્રિયા પાઠક પંકજ કપૂર જેવા અભિનેતાને પરણ્યાં હતાં. દીના પાઠક આ બંને દીકરીઓને ત્યાં રહેવા થોડા થોડા દિવસ ચાલી જતાં. દીના પાઠકે બે વાર લગ્ન કરવા પડ્યાં તો તેમની આ દીકરીઓ જેમને પરણી તે તેમના બીજા લગ્ન હતાં. દેખીતી રીતે ગણો તો એક મુસ્લિમ બીજો પંજાબી જમાઇ પરંતુ દીના પાઠક સાચા અર્થમાં કમ્યુનિસ્ટ હતાં.
માણસ કે ફિલ્મનાં ચરિત્રોને પામવા તેમની રીતોમાં વિચાર અને સંવેદના જ મુખ્ય હતાં. હા, એવું કહેવાનું જરૂર મન થાય કે તેઓને હિંદી ફિલ્મોમાં પણ હીરોઇનની ભૂમિકા મળી હોત તો હજુ વધુ પ્રતિભા દાખવી શક્યાં હોત. ઉસકી કહાનીમાં અભિનય માટે તેમને બંગાળ ફિલ્મ પત્રકાર એસોસિયેશનનો એવોર્ડ મળેલો. દીપા મહેતાની બોલિવૂડ હોલિવૂડના અભિનય માટે પણ તેઓ નોમિનેટ થયેલાં તો ખૂબસૂરતની ભૂમિકા માટે ફિલ્મફેરનો એવોર્ડ મળેલો. એક સમયે જય ગુજરાતસામિયકમાં પત્રકાર તરીકે સક્રિય થનારા અને સોવિયેટ દેશજેવા સામિયક માટે પબ્લિક રિલેશન ઓફિસરની ય કામગીરી બજાવનાર દીના પાઠકની કારકિર્દી માત્ર ફિલ્મોને આધારે થઇ શકે તેમ નથી. સમજો કે તેમનું મૂલ્યાંકન થવું બાકી છે અને રહેશે. સામર્થ્યશીલ પ્રતિભાને પામવા ઘણી વાર પ્રજાનાં સામર્થ્ય ઓછાં પડતાં હોય છે!


Image : Google
Courtesy : Wikipedia
Link : https://gu.wikipedia.org/wiki/%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A0%E0%AA%95

Follow Us Keep Supporting, Keep Sharing. 

Facebook Page : facebook.com/din.vishesh59/
Facebook Group : facebook.com/groups/dinvishesh59group
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

No comments:

Post a Comment

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ

( જન્મ : ૧૨ ઓગષ્ટ   ૧૯૧૯ – મ્રુત્યુ :   ૩૦ ડિસેમ્બર   ૧૯૭૧) ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ   ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. ...